સોલાર રૂફટોપ સિસ્ટમની સ્થાપનામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય

ગુજરાતમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો દ્વારા વીજળી ઉત્પન્ન કરતા ૧૪૯૬૩ મેગાવોટની ક્ષમતાના પ્રોજેક્ટસ કાર્યરત

અમદાવાદ: વર્તમાન સમયમાં વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિને પહોંચી વળવા બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતોની મહત્વતા વધતી જાય છે. આ સંદર્ભે ગુજરાત સરકારે બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો પર સવિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. જે અંતર્ગત રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં વર્ષ ૨૦૦૯માં કલાઈમેટ ચેન્જ અંગે અલાયદો વિભાગ શરૂ કરી ગુજરાત એશિયામાં પ્રથમ સ્થાને રહ્યું છે. આજે રાજ્યમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત જેવા કે પવન ઊર્જા, સૌર ઊર્જા, જૈવિક ઊર્જા, હાઈડ્રો પાવર વગેરે દ્વારા વીજળી ઉત્પન્ન કરવા માટે રાજયમાં ૧૪,૯૬૩ મેગાવોટ ક્ષમતાના પ્રોજેક્ટોની સ્થાપના કરવામાં આવી છે. જે દેશની કુલ સ્થાપિત ક્ષમતાની ૧૫ ટકા જેટલી છે અને આ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં તૃતીય સ્થાન ધરાવે છે. વર્ષ ૨૦૧૬-૧૭થી ખાનગી રહેણાંક ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપવાની યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ ૨,૮૪,૦૦૦ ખાનગી રહેણાંકીય ઈમારતો ઉપર ૧,૦૮૧ મેગાવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપવામાં આવી છે. ખાનગી રહેણાંક ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઔદ્યોગિક, વાણિજ્યક અને રહેણાંકીય ક્ષેત્રે કુલ ૧,૪૪૪ મેગાવોટ સોલાર રૂફટોપ સિસ્ટમની સ્થાપના સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
વર્ષ ૨૦૦૮-૦૯માં ગુજરાતમાં દેશની પ્રથમ ‘સોલાર પાવર’ પોલીસીની જાહેરાત બાદ વર્તમાન પરિસ્થિતિએ રાજ્યની સોલાર પાવર પ્રોજેક્ટની કુલ સ્થાપિત ક્ષમતા ૫,૯૪૭ મેગાવોટ છે. આમ, આ સોલાર પાવર પ્રોજેક્ટની સ્થાપના સાથે ગુજરાત દેશમાં તૃતીય સ્થાન ધરાવે છે. વર્ષ ૨૦૧૧થી પાટણના ચારણકા ગામે એશિયાનો સૌથી વધુ ક્ષમતા ધરાવતો સોલાર પાર્ક કાર્યરત છે. જ્યાં ૮૫૦ મેગાવોટ ક્ષમતાના સોલાર પ્રોજેક્ટ કાર્યરત છે.
વર્ષ ૨૦૧૨માં દેશમાં સૌપ્રથમ ૧ મેગાવોટ કેનાલ ટોપ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના ગુજરાતમાં કરવામાં આવી છે. આજ સુધી કુલ ૩૭ મેગાવોટ કેનાલ ટોપ સોલાર પાવર પ્રોજેક્ટ કાર્યરત છે. દુનિયાના સૌથી વિશાળ ૩૦ ગીગાવોટ ક્ષમતાના હાઈબ્રીડ (સોલાર અને વિન્ડ) રીન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ખાવડા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા દસ વર્ષમાં સરકારી છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓ, વિશ્રામગૃહો ઉપર ૭૬,૪૫૦ વિદ્યાર્થીઓ માટે કુલ ૧૯,૦૬,૦૦૦ લિટર પ્રતિદિવસની ક્ષમતાની સોલાર હોટ વોટર સિસ્ટમ બેસાડવામાં આવી છે. રાજ્યના ૧૩,૫૭૨ વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ઈલેક્ટ્રિક દ્વિચક્રી વાહનો માટે સબસિડી આપવામાં આવી છે. વર્ષ ૧૯૯૩માં ગુજરાતમાં દેશની પ્રથમ ‘વિન્ડ પાવર’ પોલીસીની જાહેરાત બાદ વર્તમાન પરિસ્થિતિએ રાજ્યની વિન્ડ પાવર પ્રોજેક્ટની કુલ સ્થાપિત ક્ષમતા ૮,૮૬૦ મેગાવોટ થઇ છે. આમ, ગુજરાત વિન્ડ પાવર પ્રોજેક્ટની સ્થાપનામાં દેશમાં દ્વિતીય સ્થાન ધરાવે છે. આજે ગુજરાતે ઊર્જાની પંચશકિતઓ સોલાર, થર્મલ, હાઇડ્રો, ગેસ અને ન્યૂકલીયરનો વીજ ઉત્પાદનમાં વિનિયોગ કરવાની નવતર પહેલ કરી છે અને ઊર્જા ઉત્પાદન-વિતરણમાં અગ્રેસરતા પ્રાપ્ત કરી છે.

 

જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.

 


આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.

શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>