વૃક્ષ વાવેતર અને ઉછેર થકી પર્યાવરણના સંરક્ષણ માટે સરકારનો પ્રયાસ

મેન્ગ્રોવના જંગલમાં વધારો પણ ગત ત્રણ વર્ષથી એકંદર વન વિસ્તારમાં ઘટાડો

ગાંધીનગર : વૃક્ષ વાવેતર અને વૃક્ષ ઉછેરમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાત ચોતરફ વિકાસ કરી રહ્યું છે ત્યારે, વિકાસ સાથે પર્યાવરણ સંતુલનની જાળવણી કરવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે તેમ વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવા એ જણાવ્યું હતું. મંત્રી વસાવાએ કહ્યું હતું કે નોંધાયેલ જંગલ કામદાર સહકારી મંડળીઓને વાવાઝોડાગ્રસ્ત, પવનથી ઉખડી ગયેલા, તૂટી પડેલા અને ઊભાં સૂકા ઝાડોના નિકાલની કામગીરી સોંપવામાં આવે છે. જંગલ કામદાર સહકારી મંડળીઓમાં સ્થાનિક આદિવાસીઓ કામગીરી કરતા હોવાથી તેમની આજીવિકામાં પણ વધારો થતો હોય છે. આદિવાસીઓને રોજગારી મળે, તૂટી પડેલા કે ઊભા-સુકા વૃક્ષોનો યોગ્ય નિકાલ થાય, પર્યાવરણીય સંતુલન જળવાય અને રાજ્ય સરકારની આવકમાં પણ વધારો થાય તે માટે સુયોગ્ય આયોજનથી વૃક્ષોના નિકાલની કામગીરી કરવામાં આવે છે. વસાવાએ ઉમેર્યું હતું કે ઉચ્ચ ગુણવત્તાવાળું સાગી લાકડું આશરે રૂ.80,000 ઘનમીટર તથા નબળું સાગી લાકડું રૂ.40,000 ઘનમીટરના ભાવે પણ ક્યારેક ક્યારેક ઇ-ઑક્શન પદ્ધતિથી વેચાતું હોય છે. નવસારી જિલ્લામાં તા.31-12-2020ની સ્થિતિએ વર્ષ 2019-20માં સાગ, ખેર, સીસમ,સીરસ, ગુલમહોર અને હેદકલમના 12 જેટલાં વૃક્ષો તથા વર્ષ 2020-21માં ખેર અને બાવળના 3 વૃક્ષોનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે ડાંગ જિલ્લામાં વર્ષ 2019-20માં સાગ, સાદડ, સીસમ, કિલાઈ, હેદકલમ, કાકડમોદળ, તણસ, ખેર, બીયો, ધામણ, બોરડી, અસન, કૂડી અને હુંબના 746 વૃક્ષોનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. તો વન રાજ્ય મંત્રી રમન પાટકરે જણાવ્યું હતું કે ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ થકી ગુજરાતને વધુ હરિયાળું બનાવવા રાજય સરકાર કટિબદ્ધ છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ક્ષેત્રિય વનીકરણ કાર્યક્રમ અંતર્ગત નર્સરીઓમાં ઉછેરવામાં આવેલ વિવિધ રોપાઓનું અલગ-અલગ વિસ્તારમાં વાવેતર કરવામાં આવતું હોય છે. સરકારના એક અહેવાલ મૂજબ વર્ષ ૨૦૧૮-૧૯ની સ્થિતિએ રાજ્યના ૩૩ જિલ્લાઓના ૧.૯૬ લાખ ચોરસ કિલોમીટરના એરિયામાં જંગલ વિસ્તાર માત્ર ૨૧,૮૫૯ ચો.કિ.મી. એટલે કે ૧૧.૧૪ ટકા જ છે. ૧૯૯૧ની સાપેક્ષે તેમાં વધારો હોવાનું જણાય છે પરંતુ, એક વાસ્તવિક આંકડા પરથી જ એ નજરે પડી છે કે ઈ.સ.૨૦૧૫-૧૬માં આ વિસ્તાર ૧૧.૩૬ ટકા હતો તે ઘટીને ૧૧.૧૪ ટકા થયો છે. અર્થાત્ વન વિસ્તાર ગત ત્રણ વર્ષમાં ૪૪૦ ચો.કિ.મી. જેટલો ઘટયો છે. અલબત, મેન્ગ્રોવ જંગલનો વિસ્તાર ૧૭ વર્ષમાં ૯૧૧ ચો.કિ.મી.થી વધીને ૩૬૦૦ ચો.કિ.મી. થયો છે પરંતુ, એકંદરે વન વિસ્તાર ઘટવા સાથે સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે શહેરી વિસ્તાર કે જ્યાં ગીચ વસ્તી છે ત્યાં વન વિસ્તાર કહેવાપુરતો રહ્યો છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા ઉજવાયેલા વિશ્વ વન દિવસની થીમ ‘ જંગલની પુનઃસ્થાપના પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>