વર્ષ ૨૦૨૧ને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ફળ અને શાકભાજી વર્ષ જાહેર કરાયું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વાસ્થ્ય રક્ષા અને પોષણ માટે ફળ- શાકભાજીના ઉપયોગ અંગેના અભિયાનનો શુભારંભ કર્યો

ગાંધીનગર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વાસ્થ્ય રક્ષા અને પોષણ માટે ફળ અને શાકભાજીના મહત્વને જાણીને લોકો વધુને વધુ તેનો ઉપયોગ કરતા થાય તે માટે લોકજાગૃતિ કેળવવા રાજભવન ખાતેથી ફળઝાડ સહિત બાગાયતી વૃક્ષોના વાવેતર અભિયાનનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં શુભારંભ કર્યો હતો. રાજ્યપાલે રાજભવન ખાતે મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને વનમંત્રી ગણપતભાઇ વસાવાની ઉપસ્થિતિમાં વીટામીન-સી થી ભરપુર અને રોગપ્રતિકારક શક્તિ વધારનારા આમળાના વૃક્ષનું વાવેતર કર્યુ હતું. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેસર આંબાનું વાવેતર કર્યુ હતું. ત્યારબાદ રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ સંયુક્ત રીતે મુખ્યમંત્રી નિવાસ સ્થાને જઇને ફળઝાડનું વાવેતર કર્યુ હતું. આ પ્રસંગે લેડી ગવર્નર દર્શના દેવી અને મુખ્યમંત્રીના ધર્મપત્ની અંજલીબેન પણ ઉપસ્થિત રહ્યા હતા અને ફળઝાડનું વાવેતર કર્યુ હતું. રાજ્યપાલ સ્વયં પગે ચાલીને નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓના નિવાસસ્થાને ગયા હતા અને દરેક મંત્રીની સાથે મંત્રી નિવાસસ્થાને વિવિધ પ્રકારનાં ફળઝાડનું વાવેતર કર્યુ હતું. તેમણે  ફળઝાડ અને શાકભાજી સહિત બાગાયતી વૃક્ષોના વાવેતર પ્રત્યે લોક જાગૃતિ કેળવવા મંત્રીઓને અનુરોધ પણ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૧ને ફળ અને શાકભાજી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદેશ ફળ અને શાકભાજીના વપરાશથી સ્વાસ્થ્યરક્ષા અને પોષણ દ્વારા તંદુરસ્ત જીવનશૈલી પ્રત્યે લોકજાગૃતિ કેળવવાનો છે. લોકો ઘર આંગણે તેમજ ખેતરમાં ફળઝાડના વાવેતર માટે પ્રેરાય તે ઉદેશથી રાજ્યપાલશ્રીએ ફળઝાડ અને બાગાયતી વૃક્ષોનાં વાવેતરનું આ અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાન અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સીટી દ્વારા લીંબુ, આમળા, જામફળ અને સરગવાના ૪૦૦ રોપા, નવસારી કૃષિ યુનિવર્સીટી દ્વારા ચીકું અને કેળાંના ૨૦૦ રોપા, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા કેસર આંબાના ૧૦૦ રોપા, દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી દ્વારા સીતાફળના ૧૦૦ રોપા, ગોધરા કેન્દ્ર દ્વારા બીલી અને જાંબુના ૨૦૦ રોપા મળી કુલ ૧૦૦૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક ડી.કે.શર્મા, રાજયપાલના અગ્ર સચિવ મનીષ ભારદ્વાજ, બાગાયત નિયામક પી.એમ.વઘારીયા, ખેતી નિયામક ભરત મોદી સહીતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.

 


આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.

શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>