પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂતોને થતા લાભનો નવો અધ્યાય શરુ થશે

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે તા. ૧૪થી ૧૬ ડિસેમ્બર, ૨૦૨૧ દરમિયાન ત્રિદિવસીય સમિટ યોજાશે

આણંદ : આત્મનિર્ભર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા કૃષિક્ષેત્ર આત્મનિર્ભર થાય એ ઘણું મહત્ત્વનું છે. આ અભિગમને ધ્યાનમાં રાખીને તથા અન્નદાતાઓને સક્ષમ કરવા માટે માનનીય વડાપ્રધાનના દિશાસૂચન અનુસાર ભારત સરકારે ખેતીના વિવિધ પાસાં માટે અનેક પહેલ શરૂ કરી છે.તેને આગળ ધપાવવા માટે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ તથા કૃષિમંત્રી રાઘવજી પટેલે વ્યૂહરચના તૈયાર કરી છે જેથી કૃષિને સાતત્યપૂર્ણ (સસ્ટેનેબલ) તથા ખેડૂતોને સફળ બનાવવાનું ધ્યેય છે. આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત. કૃષિમાં મૂલ્યવર્ધનની શૃંખલાના વિવિધ પાસાં વિશે ચર્ચા-વિચારણા કરવા તથા વૈશ્વિક જાણકારી તેમજ અત્યાધુનિક ટેકનોલોજી સાથે ખેડૂતોને સક્ષમ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ‘એગ્રો અને ફૂડ પ્રોસેસિંગઃ સહકારના નવા યુગમાં પ્રવેશ’ વિષય ઉપર તા. ૧૪થી ૧૬ ડિસેમ્બર, ૨૦૨૧ દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સિટી સંકુલમાં ત્રણ દિવસની સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જે ઈવેન્ટ જાન્યુઆરી-૨૦૨૨માં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ની 10મી આવૃત્તિની પ્રિ-સમિટ રૂપે યોજાઈ રહી છે. તારીખ ૧૬મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું (વર્ચ્યુઅલ માધ્યમથી) સમાપન પ્રવચન આ સમિટને આગવી શોભા પ્રદાન કરશે. એ પ્રસંગે આણંદના અમુલ સંકુલમાં સરદાર પટેલ ઑડિટોરિયમ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપશે. આ સમિટ કૃષિકારો, વિજ્ઞાનીઓ, કૃષિ-ઉદ્યોગ સાહસિકો તથા પ્રગતિશીલ ખેડૂતો માટે નોલેજ શૅરિંગ (જાણકારીની આપ-લે) તથા નેટવર્કિંગ (ખેતીવાડી સાથે સંકળાયેલા લોકો વચ્ચે સંકલન) માટે એક આદર્શ મંચ બની રહેશે. સમિટ દરમિયાન પ્રાકૃતિક ખેતી , એફપીઓની સંભાવનાઓ ઉજાગર કરવા તથા કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ખેતીલક્ષી માળખાકીય સુવિધાઓ), એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ વગેરે વિષયો પર ચર્ચા-વિચારણા થશે.

પ્રાકૃતિક ખેતીના પ્રખર હિમાયતી એવા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન તથા ડેરી ખાતાના મંત્રી પરષોત્તમ રૂપાલા ૧૪ ડિસેમ્બરે સમિટનું ઉદ્દઘાટન કરશે. આ પ્રસંગે ગુજરાતના કૃષિ, પશુપાલન તથા ગૌ-સંવર્ધન મંત્રી શ્રી રાઘવજી પટેલ, કુટિર ઉદ્યોગ, સહકાર તથા ઉદ્યોગ રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા સહિત અન્ય મહાનુભાવો હાજરી આપશે. ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતીને તેના વૈવિધ્યસભર લાભ માટે પ્રોત્સાહન આપી રહી છેઃ તે ઈકો-ફ્રેન્ડલી (પર્યાવરણને સાનુકૂળ) અને ઓછી ખર્ચાળ છે, તેનાથી આરોગ્ય સુખાકારી અને જીવનની ગુણવત્તામાં સુધારો થાય છે. પ્રાકૃતિક ખેતીની સમગ્ર મૂલ્યવર્ધિત ચેઇન – અર્થાત જમીનનો ઉપયોગ, ગુણવત્તામાં સુધારો, સર્ટિફિકેશન અને માર્કેટિંગ સહિત વિવિધ મુદ્દા પર આ ઈવેન્ટના વિવિધ સેમિનારમાં ચર્ચા થશે. ત્રણ દિવસના આ સેમિનારમાં ૧૫ જ્ઞાનસત્રોમાં ૧૦ થીમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના ૯૦ કરતાં વધુ વક્તા તેમના વક્તવ્યો આપશે. દુનિયાની ૩૦૦ કરતાં વધુ કંપની કૃષિ ક્ષેત્રનાં ઉપાયો અંગેનાં સંશોધનો પ્રદર્શિત કરશે. સમિટમાં ભારતના ૫,૦૦૦ કરતાં વધુ ખેડૂતો તેમજ ૨૩ રાજ્યના અધિકારીઓ પ્રતિનિધિત્વ કરશે. આ સમિટ આધુનિક પદ્ધતિ, યોજનાઓ તથા આ ક્ષેત્રની ટેકનોલોજી વિશે જાણવા માટેની ઉત્તમ તક બની રહેશે. તેમાં ભાગ લેવા માટે ઑનલાઇન માધ્યમ ઉપરાંત સ્થળ ઉપર રજિસ્ટ્રેશન કરાવી શકાશે. 14થી 16 ડિસેમ્બર દરમિયાન આણંદના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં સવારે ૯ વાગ્યાથી રાત્રે ૯.૩૦ સુધી પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનમાં પ્રાકૃતિક ખેતી, ડેરી તથા ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રોમાં થયેલા ટેકનોલોજીકલ સંશોધન રજૂ કરવામાં આવશે. ડ્રોન દ્વારા નેનો ફર્ટિલાઈઝરના છંટકાવનું નિદર્શન આ કાર્યક્રમનું ખાસ આકર્ષણ બની રહેશે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારનાં સંગઠનો ખેતી ક્ષેત્રમાં હાલ ચાલી રહેલી યોજનાઓ પ્રદર્શિત કરશે.

 

જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.

 


આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.

શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>