પ્રાકૃતિક કૃષિથી કૃષિ ખર્ચ ઘટતા ખેડૂતોની આવક વધશે : રાજ્યપાલ

રાજ્યના કૃષિ વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિની સાત દિવસની તાલીમ કાર્યશાળાનો શુભારંભ

અમદાવાદ : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના આત્મા પ્રોજેક્ટ દ્વારા અડાલજના ત્રિ-મંદિર ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિની સાત દિવસીય તાલીમ કાર્યશાળાનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિના મોડેલ સ્ટેટ તરીકે ગુજરાત દેશનું નેતૃત્વ કરશે જેના યશભાગી ગુજરાતના ખેડૂતોને બનશે.
રાજ્યપાલે સાત દિવસીય તાલીમ કાર્યશાળામાં ઉપસ્થિત આત્મા અને કૃષિ વિભાગના અધિકારી-કર્મચારી, કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રગતિશીલ ખેડૂતોને સંબોધતા જણાવ્યુ હતુ કે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટશે એ ચિંતા છોડી દો. ગુરુકુળ કુરુક્ષેત્રમાં તેમના માર્ગદર્શન હેઠળ ૨૦૦ એકર જમીનમાં થઈ રહેલી પ્રાકૃતિક કૃષિના સ્વાનુભવને દોહરાવતા જણાવ્યુ હતુ કે, પૂરી પ્રમાણિકતાથી વિધિપૂર્વક પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો કૃષિ ઉત્પાદન ઘટતું નથી એટલું જ નહીં પાણીની બચત થાય છે, જમીનની ફળદ્રુપતા વધે છે, પર્યાવરણની રક્ષા થાય છે. તેમજ કૃષિ ખર્ચ ઘટતા અને પ્રાકૃતિક ઉત્પાદનોની યોગ્ય કિંમત મળતા ખેડૂતોની આવકમાં વધારો થાય છે. રાજ્યપાલે જણાવ્યુ હતુ કે, દેશી ગાયના છાણ અને ગૌ મુત્રને કૃષિ માટે મિત્ર સુક્ષ્મજીવોનો અને ખનીજોનો ભંડાર ગણાવી એક દેશી ગાયની મદદથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે.

રાજ્યપાલશ્રીએ કૃષિ વૈજ્ઞાનિકોના તારણોને રજૂ કરી પ્રાકૃતિક કૃષિની અસરકારકતા ખેડૂતોને સમજાવી હતી. રાજ્યપાલે જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત અને ઘનજીવામૃત જેવા દેશી ખાતરોના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટાડતા અને સ્વાસ્થ્ય માટે હાનીકારણ રાસાયણિક ખાતરોનો વપરાશ અટકશે. જેનાથી કરોડો રુપિયાની સબસીડીની બચત થશે. ઉપરાંત ઝેરી જંતુનાશક દવાઓને બદલે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ જેવા પ્રાકૃતિક કીટનાશકોના છંટકાવને કારણે મળતાં સ્વાસ્થ્યપ્રદ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોને કારણે લોકોની તંદુરસ્તી જાળવણી થશે. રાજ્યપાલે મલ્ચીંગ-આચ્છાદનના મહત્વને સમજાવતા જણાવ્યુ હતુ કે, મલ્ચીંગથી જમીનનું તાપમાન અને ભેજ જળવાશે, મિત્રજીવોના કાર્ય માટે યોગ્ય વાતાવરણ અને ખોરાક મળશે તેમજ નિંદામણનું નિયંત્રણ થશે. રાજ્યપાલે એમ પણ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે. તેને સિદ્ધ કરવા માટે પ્રાકૃતિક કૃષિ એક મજબૂત વિકલ્પ બની રહેશે. ગુજરાતમાં બે લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે. એટલું જ નહીં ડાંગ જિલ્લાને સરકારે રાસાયણિક કૃષિથી મુક્ત જિલ્લો જાહેર કરીને દેશભરના ખેડૂતોને પ્રેરણા આપી છે. રાજ્યપાલશ્રીએ તાલીમ લઈ રહેલાં ખેડૂતોને તાલીમાર્થી નહિં પરંતુ માસ્ટર ટ્રેનર્સ બની અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન આપવા પણ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કૃષિ સચિવ મનીષ ભારદ્વાજે તાલીમ લઈ રહેલાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જન-જન સુધી લઈ જનારા સૈનિકો ગણાવ્યા હતા. તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને કૃષિ યુનિવર્સિટીઓમાં ખેડૂતો પ્રેરણા લઈ શકે તેવા પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની રચના અંગે માહિતી આપી હતી અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની બજાર વ્યવસ્થા માટે ફાર્મર પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન-FPOની મહત્તા સમજાવી હતી. જ્યારે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર મહેશ સિંહે પ્રાકૃતિક કૃષિને માનવ કલ્યાણનું કાર્ય ગણાવી ખેડૂતોની મહેનત અને આવક વચ્ચેની વિસંગતતા દૂર કરવાના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિને ગણાવી હતી.
આ પ્રસંગે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ જન અભિયાનના ગુજરાત પ્રદેશના સંયોજક પ્રફુલ્લ સેંજલિયાએ પ્રાકૃતિક કૃષિના તાલીમાર્થી ખેડૂતોને જગતને જગાડનારા કૃષિના તત્ત્વચિંતકો ગણાવ્યા હતા.

 

જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.

 


આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.

શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>