
ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ જન અભિયાનની પ્રગતિની સમીક્ષા કરતા જણાવ્યું કે રાજ્યના પ્રત્યેક જિલ્લામાં એક ગામને સંપૂર્ણપણે પ્રાકૃતિક કૃષિ આધારિત ગામ તરીકે પ્રસ્થાપિત કરવામં આવશે. રાજ્યપાલે દરેક ગમમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનરની ઉપલબ્ધિ માટે પ્રત્યેક જિલ્લામાં બે દિવસની કાર્યશાળા યોજવા અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.
રાજ્યના કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતીમાં રાજભવન ખાતે યોજાયેલી એક સમીક્ષા બેઠકમાં રાજયપાલે દેશી બીજોને ઉન્નત બનાવીને ખેડૂતોને સરળતાથી દેશી બિયારણ ઉપલબ્ધ થાયે તે માટે રાજ્યની કૃષિ યુુનિવર્સિટીના કુલપતિઓને આગળ આવવા ખાસ અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે આ બેઠકમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોમાં માર્કેટિંગ અને ગુણવત્તા પ્રમાણન અંગે પણ વિચાર – વિમર્શ કર્યો હતો. આ બેઠકમાં રાજ્યની ઓર્ગેનિક યુનિવર્સિટીના અભ્યાસક્રમો અને ભાવિ આયોજનો વિશે પણ રાજ્યપાલે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે રાજ્યના કૃષિ સચીવ મનિષ ભારદ્વાજ, રાજ્યની કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ તેમજ પ્રાકૃતિક કૃષિ કરનારા પ્રગતિશીલ ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.