
ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચ શહેરના નાગરિકોને ૧૨ સિટી બસની મહત્વપૂર્ણ ભેટ આપી છે. મુખ્યમંત્રી એ ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત ‘મુખ્યમંત્રી શહેરી બસ સેવા અન્વયે ભરૂચ નગર પાલિકા દ્વારા શરૂ કરાયેલી સિટી બસ સેવાનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું હતું. મુખ્યંત્રીએ કહ્યું કે, ભરૂચના લોકોની સુવિધા માટે તેમજ પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્રદુષણ અટકાવવા માટે સી.એન.જી બસ સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં ૯ રૂટ પર કુલ ૧૨ સી.એન.જી શહેરી બસ, સેવા શહેરના નાગરિકો માટે શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સમગ્ર ગુજરાત પર્યાવરણના રક્ષણ માટે ક્લાયમેન્ટ ચેન્જના પડકારોનો સામનો કરવા પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભરૂચ અને અંકલેશ્વરના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં લીધા હતાં. એશિયાનું સૌથી મોટું કેમિકલ પોર્ટ દહેજનો વિકાસ પણ તેમના કાર્યકાળ દરમિયાન થયો છે.LNG ટર્મિનલ, GNFC સહિત કેમિકલ કંપનીઓના વિકાસ દ્વારા આધુનિક શહેરનો ઓપ આપ્યો છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. આના પરિણામે ભરૂચમાં રોજગારી વૃદ્ધિ થવાથી અનેક લોકો આવીને વસ્યા છે તેમના માટે આ શહેરી બસ સેવા યાતાયાત માધ્યમ બનશે. ભરૂચમાં પ્રદુષણની માત્રામાં ઘટાડો થાય, ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થાય તેમજ વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ઘટે તે હેતુથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વિકસાવવા માટે ભાર આપી રહ્યા છીએ. એમ તેમણે ઉમેર્યુ હતું. ભરૂચમાં સી.એન.જી બસો શરૂ થવાથી નાગરિકોને ઓછા ખર્ચે, સલામતી સાથે આરામદાયક મુસાફરી પ્રાપ્ત થશે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. પર્યાવરણની રક્ષા માટે આ પ્રકારની બસ સુવિધા શરૂ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ ભરૂચ નગરપાલિકાના સૌ પદાધિકારીઓ-અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. કોરોના સંક્રમણકાળમાં રાજ્ય સરકારે વિકાસની ગતિ મંદ પડવા દીઘી નથી. કોરાનાકાળમાં અંદાજિત રૂ. 30,000 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કર્યું છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું.