જીવામૃત આધારિત ખેતી અંગે આણંદ કૃષિ યુનિવર્સીટીમાં સેમિનાર યોજાયો

વિવિધ રાજયોમાંથી આવેલા કૃષિ તજજ્ઞો – વૈજ્ઞાનિકોએ આપ્યું અમૂલ્ય માર્ગદર્શન

આણંદ: આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આજથી આરંભાયેલા ત્રિ દિવસીય પ્રિ-ઈવેન્ટ વાયબ્રન્ટ સમીટના પ્રથમ દિવસના પ્રથમ જ્ઞાનસત્રમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં “કોસ્ટ ઈફેકટીવ, હેલ્થ બેનીફીટ એન્ડ ઈકો ફ્રેન્ડલી નેચરલ ફાર્મિંગ ટેકનીક” વિષયક સેમિનાર યોજાયો હતો. જેમાં દેશભરમાંથી આવેલા કૃષિ નિષ્ણાંતો – વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતી વિશેના તેમના વિચારો રજૂ કર્યા હતા. આંધ્રપ્રદેશ સરકારના એડવાઈઝર તરીકે ફરજ બજાવતા અને રિટાયર્ડ આઇ. એ. એસ. ટી. વિજયકુમારે, આંધ્રપ્રદેશમાં પ્રાકૃતિક ખેતીના વિકાસની વિસ્તૃત રૂપરેખા આપતા જણાવ્યુ હતુ કે, આંધ્રપ્રદેશ સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે અનેકવિધ યોજનાઓ બનાવવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ તેનું સઘન અમલીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં આ વર્ષે પ્રાકૃતિક ખેતી અન્વયે ૨૮% ગામોને આવરી લેવાનો લક્ષ્યાંક છે. ખેડૂતોને દર વર્ષે જ નહીં પરંતુ દર સપ્તાહે, દર મહિને નિશ્ચિત આવક મળી રહે તે બાબતને સરકાર દ્વારા ધ્યાને લેવામાં આવી છે. સરકારના પ્રયાસોને કારણે આંધ્રપ્રદેશના જે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે, તે ખેડૂતો કોઈપણ જાતના વધારાના ખર્ચ વિના વર્ષમાં ત્રણ પાકો લઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાના કારણે તેમને પાણીની ૩૦ થી ૬૦ ટકા જેટલી બચત થઈ છે, એટલું જ નહીં તેઓને એકર દીઠ અંદાજે રૂપિયા ૧ લાખથી વધુની આવક પણ મળી રહી છે. વધુમાં તેમણે આંધ્રપ્રદેશમાં પ્રાકૃતિક ખેતીના કાર્યને છેવાડાના ખેડૂતો સુધી પહોંચાડવા માટે રાજ્યકક્ષાથી લઈને જિલ્લા અને ક્લસ્ટર લેવલ સુધીની ટીમ બનાવવામાં આવી હોવાનું જણાવી ઉમેર્યુ હતુ કે, આ કાર્યને સ્વસહાય જૂથોના માધ્યમથી પણ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. ભારત સરકારના નીતિ આયોગના સિનિયર એડવાઈઝર ડો. નીલમ પટેલ ગુજરાત રાજ્યના એડવાઈઝર તરીકે પણ ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું હતું કે, ૨૦૧૮ના વર્ષથી નીતિ આયોગ દ્વારા લીડ લઈને કૃષિ મંત્રાલય સાથે મળીને ઓર્ગેનિક કાર્બનને વધારવાની સાથે ખેતીમાં રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટે, જમીન સુધરે અને પાણીની બચત થાય સાથોસાથ ખેડૂતોની આવકમાં પણ વધારો થાય તેવા બહુહેતુક ઉદ્દેશ સાથેનું કાર્ય આરંભાયું છે. આ માટે પ્રાકૃતિક ખેતી માટેનું વેબપોર્ટલ પણ બનાવી તેના દ્વારા આ ક્ષેત્રે થતાં સંશોધનો – રજૂ થતા વિવિધ પેપરો વગેરે પણ ઉપલબ્ધ બનાવીને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને ખેડૂતોમાં જાગૃત્તિ આવે તે માટેનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. તેમણે નીતિ આયોગના કાર્યની સાથે વિવિધ રાજ્યોમાં પણ પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે સંબંધિત રાજ્યોની સરકાર દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોને બિરદાવતા જણાવ્યું હતું કે, દેશના વિવિધ રાજ્યોની સરકારો દ્વારા ખેડૂતો માટે, પ્રાકૃતિક ખેતી માટેના સંનિષ્ઠ કાર્યો – યોજનાઓના અમલીકરણના પરિણામે છેલ્લા ત્રણ વર્ષમાં દેશના ૬,૫૧,૪૪૭ હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીનું કાર્ય થયું છે. તેમણે આ તકે દેશમાં સૌ પ્રથમવાર પ્રાકૃતિક ખેતી માટેનું પ્રિ-ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવા બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

કૃષિ યુનિવર્સિટી હિસાર હરિયાણાના ડૉ. બલજીતસિંઘ સહારને ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ વિશે કહ્યુ કે, માઇક્રોઓર્ગેનિઝમ – માઇક્રોવ્સ નરી આંખે જોઈ શકાતા નથી. પ્રાકૃતિક ખેતીમાં માઇક્રોઓર્ગેનિઝમ – માઇક્રોવ્સની ભૂમિકા અગત્યની છે. પ્રાકૃતિક ખેતીમાં ગાય આધારિત ખેતીનો પણ સમાવેશ થાય છે. પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાય, બળદ અને ભેંસના છાણ અને મૂત્રનો પણ ઉપયોગ કરવામાં આવે છે. નેચર અને નેચરલ રીસોર્સિસને તથા પાક સુધારવા માટે બીજામૃત્ત, જીવામૃત, ઘનજીવામૃત, નીમાસ્ત્ર, ખાટી છાશ, ગોમૂત્ર સહિતનો ઉપયોગ કરવામાં આવે છે. વધુમાં તેમણે કહ્યુ કે, બાયફર્ટીલાઇઝર એ પ્રાકૃતિક ખેતીનો ભાગ નથી પણ તેના કેટલાક તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમણે ઓર્ગેનિક કાર્બનને મેઇન્ટેઇન કરવા વિશે પણ જણાવ્યુ હતુ. પ્રાકૃતિક ખેતી એ પ્રાચીન ભારતીય કૃષિ પધ્ધતિ છે, તે સશક્ત અને ઝેર મુક્ત ઉત્પાદન તરફ લઈ જતી પદ્ધતિ છે. આજના યુગમાં પ્રાકૃતિક ખેતીને મિશન તરીકે અપનાવવી અત્યંત જરુરી છે. ભારત સરકારના કૃષિ મંત્રાલયના અધિક સચિવશ્રી પી.કે. સ્વેને જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિને ખેડૂતો અપનાવે એ માટેની અસરકારક વ્યવસ્થા ઊભી કરવી જરુરી છે. ખેડૂતોને કેમિકલ ફાર્મીગ અને નેચરલ ફાર્મીગનો તફાવત જણાવવો જોઈએ. ખેડુતો જો આ બન્ને ખેતીથી થતા લાભ-ગેરલાભ જાણતા હશે તો તેઓ સહજ રીતે પાકૃતિક કૃષિને અપનાવશે. ખેડૂતોમાં આ બાબતની જાગૃત્તિ અતિ આવશ્યક છે. આ વેળાએ કૃષિ મંત્રાલયના સેક્રેટરી સંજય અગ્રવાલે જણાવ્યું કે, આઝાદીના સમયે દેશનું લક્ષ્ય ફક્ત કૃષિ ઉત્પાદન વધારવાનું હતું. જેમાં આપણને સફળતા તો મળી પરંતુ તેના ઘણા દુષ્પ્રભાવો પણ થયા. આ સેમિનારમાં રાષ્ટ્રભરમાંથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિકારો અને તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.

 


આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.

શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>