ગ્રામ્ય વિસ્તાર હવે ઈટાલિયન યુવાનોનું નવું સરનામું

યુવાનો હવે શહેરી લાઈફ છોડીને ખેતી કરવા ગામ તરફ વળ્યા

TEP@રોમ(ઇટાલી): સ્થળાંતર સામાન્ય રીતે ગ્રામીણથી શહેરી વિસ્તારોમાં થતું હોય છે, જે લોકો ગ્રામ્ય વિસ્તારની બહાર શહેરો તરફ આવે છે જ્યાં તેમની આર્થિક સ્થિતી મુજબ તેઓ પોતાની લાઈફ સ્ટાઈલ પણ બદલી શકે છે. શહેરી વિસ્તારમાં વિવિધ કામકાજ તેમજ નોકરીની પણ અપાર તક રહેલી છે અને આવું જ જોવા મળી રહ્યું છે આખી દુનિયામાં. લોકો ભલે ગામડાંમાંથી શહેર તરફ વળે પરંતુ ઈટલીમાં આ વલણ થોડું અવળું જતું હોય તેવું લાગે છે. 21મી સદીમાં જ્યારે લોકો શહેરી લાઈફ માણવા આતુર હોય છે તેવામાં ઈટલીના યુવાનો હવે શહેરમાંથી ગામડાની જિંદગી જીવવા માગે છે. શહેરમાં ભલે સમૃદ્ધ જીવનશૈલી હોય પરંતુ યુવાનો હવે એક શાંતિનું જીવન જીવવા માગે છે. ઈટલીમાં છેલ્લા કેટલાક સમયથી સારું ભણેલા ગણેલા યુવાનો ગામડાં તરફ વળીને ખેતી કરી રહ્યા છે અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. 21 મી સદીમાં આ રીતની વિચારસરણી યુવાનોમાં જોવા મળી રહી છે તે એક તદ્દન નવી વાત ચોક્કસ કહી શકાય.
35 વર્ષથી ઓછી ઉંમરના ઘણા ઇટાલિયનોએ કૃષિ સંબંધિત ક્ષેત્રોમાં વ્યવસાય અને જીવનશૈલી બંને હાથ ધરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં પાછા ફરવાનું નક્કી કર્યું છે. ટૂંક સમયમાં જ ભૂમધ્ય દેશ યુરોપમાં આ ક્ષેત્રમાં સૌથી વધુ યુવાનોને રોજગારી આપતો દેશ બની ગયો છે. આઇએસએમઇએ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એગ્રીકલ્ચર એન્ડ ફૂડ માર્કેટ સર્વિસિસના જણાવ્યા અનુસાર, છેલ્લા એક દાયકાથી ગ્રામ્ય વિસ્તારોમાં જતા અને ખેતી શરૂ કરનારા યુવાનોની સંખ્યા સતત વધી રહી છે.

ઈટલીના કૃષિ મંત્રાલય દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર દર વર્ષે ખેતી તરફ વળતા યુવાનોની સંખ્યા વધી રહી છે, અને આમાંના ઘણા 30 વર્ષથી ઓછી ઉંમરના લોકો છે. તે જ સમયે, યુવા પેઢીઓ તેમના શિક્ષણનું કૃષિ ક્ષેત્રમાં રોકાણ કરી રહી છે. અહીં યુવાનો કેન્દ્ર સ્થાને છે જેમનો આ અનોખો વિચાર છે. સામાન્ય રીતે સારી શૈશણિક ડિગ્રી ધરાવતા યુવાનોની પહેલી પસંદ તો શહેરી વિસ્તાર અને ત્યાં રહીને નોકરીની તક હોય છે પરંતુ હવે સમય બદલાયો છે તેમ યુવાનોની જીવનશૈલી પણ બદલાઈ છે. ખેતી તરફ યુવાનોનું આકર્ષણ વધતાં આવનારા દિવસોમાં શહેર કરતાં ગામડાંમાં યુવાનો પોતાની સેવાનો લાભ આપી શકશે.
છેલ્લા કેટલાય સમયથી ઈટલીમાં આર્થિક વિકાસ ઝંખતા યુવાનો પોતાની સારી કારકિર્દી માટે પ્રયત્નશિલ રહેતા હોય છે પરંતુ બીજી તરફ સારી નોકરીનો અભાવ અને બેરોજગારીનો વધતો ડર, યુવાનોમાં હતાશા લાવી રહ્યો છે. તેવામાં યુવાનો આત્મનિર્ભર બને અને પોતાની આર્થિક સ્થિતીનો નવો વળાંક આપી શકે તે હેતુથી હવે તેમનો ગામડાં તરફ પ્રયાણ કરવાનો વિચાર એક નવી આશા જગાવી રહ્યો છે.
ઈટલીમાં સરકારના અને લોકોના સહિયારા પ્રયાસથી નવા નવા ઉદ્યોગો શરૂકરનારા લોકોને એક સારો માર્ગ મળી રહ્યો છે તેવામાં યુવાનો વિવિધ નવા ઉદ્યોગો અને વેપારને ધ્યાને રાખીને જો ગામડાં તરફ વળે તો શહેરની સાથે ગામડાંનો પણ આર્થિક વિકાસ ધીરે ધીરે વધી શકે. જે આવનારા ભવિષ્યને પણ સારી અસર પહોંચાડશે. સરકાર દ્વારા પણ સમાજ સુધારા માટે અવનવા અભિયાનો હાથ ધરવામાં આવે છે જેના થકી લોકો પોતાની સુખાકારી માટે વિવિધ આયામોનો ઉપયોગ કરીને દેશના વિકાસમાં ભાગીદાર બની શકે છે.
ઈટલીમાં યુવાનોમાં જાગૃતિ આવતા તેઓ ઓર્ગોનિક ખેતી તરફ વળ્યા છે જેને કારણે ખેતીમાં પણ વિવિધતા જોવા મળી રહી છે. નવી નવી ટેક્નોલોજીની મદદથી અને યુવાનોની ભાગીદારીથી ઈટલીના ગામોમાં ધીરે ધીરે વિકાસની ગતિ જોર પકડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close