ગુજરાત રાજ્યનો પ્રથમ પ્રાકૃતિક કૃષિ આધારિત જિલ્લો બનશે ડાંગ

કોરોના મહામારીના કપરાં કાળમાં પ્રાકૃતિક કૃષિ સંજીવની સમાન : રાજ્યપાલ

ડાંગ : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ આધારિત જિલ્લો બનાવવાના રાજ્ય સરકારના નિર્ધારને સાકાર કરવા પ્રાકૃતિક કૃષિના સંયોજકોને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીનું જન-અભિયાન ગુજરાતના પ્રત્યેક ગામમાં ખેડૂતો સુધી પહોંચશે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના મહામારીનો ચોક્કસ ઈલાજ નથી. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય તે વ્યક્તિ આ રોગ સામે પ્રતિકાર કરી શકે છે તે નિશ્ચિત છે. રોગ પ્રતિકાર શક્તિ ખાનપાનથી બને છે. રાસાયણિક ખાતરોથી તૈયાર થયેલું ખાદ્યાન્ન રોગપ્રતિકારક શક્તિ વધારવાને બદલે શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા પ્રાકૃતિક કૃષિ જ શ્રેષ્ઠ ઉપાય છે. રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિને સંજીવની સમાન ગણાવી હતી.
રાજ્યપાલે જણાવ્યું હતું કે, ખેડૂતોએ પૂરી પ્રમાણિકતાથી પ્રાકૃતિક કૃષિ અપનાવવી જોઈએ. જીવામૃત – ઘન જીવામૃતનું નિર્માણ વિધિપૂર્વક થાય તેનો ઉપયોગ નિયમાનુસાર થાય તે પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિની સફળતા માટે અતિ આવશ્યક છે. ડાંગ જિલ્લાને પ્રાકૃતિક કૃષિ આધારિત જિલ્લો જાહેર કરાયો છે. ત્યારે પ્રાકૃતિક કૃષિનું યોગ્ય મોડેલ ખેડૂતો સુધી પહોંચે તે આવશ્યક છે. તેમણે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિને શ્રેષ્ઠ ઉપાય ગણાવતા જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં 1.70 લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે. ખેડૂત જ ખેડૂત માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમ જણાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં પ્રાકૃતિક કૃષિ અપનાવનારા ખેડૂતોની આવકમાં 27 ટકાનો વધારો થયો અને 56 ટકા કૃષિ ખર્ચામાં ઘટાડો થયો છે. તેવું હિમાચલ વિભાગના કૃષિ વિભાગના આંકડામાં દર્શાવાયું છે. જો સાચી પદ્ધતિથી પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં નહીં આવે તો સો ટકા પરિણામ નહીં મળે તેવુ સ્પષ્ટ જણાવતા રાજ્યપાલે આત્માના તજજ્ઞોને પ્રાકૃતિક કૃષિની તાલીમ માટે ખાસ બહાર આપવા અનુરોધ કર્યો હતો. ગુજરાત સરકાર અને કૃષિ વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિના મીશનને સફળ બનાવવા પુરુષાર્થ આરંભ્યો છે. જેનાથી ખેડૂતની સમૃદ્ધિ અને લોકોના આરોગ્યની સંભાળ થશે. જમીનની ફળદ્રુપતા વધશે. જળ, જમીન અને પર્યાવરણનું દેશી ગાયનું જતન-સંવર્ધન થશે. રાજ્યપાલશ્રીએ માસ્ટર ટ્રેનર્સને પ્રાકૃતિક કૃષિના યોદ્ધા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોની સમૃદ્ધિ અને લોકોના આરોગ્યની સંભાળ લેવાના આ કાર્ય માટે માસ્ટર ટ્રેનર્સ આ જન-અભિયાનના યોદ્ધા છે.
રાજ્યપાલે દેશી ગાયના મહત્વ વિશે લોકોને જાણકારી આપવા માસ્ટર ટ્રેનર્સને અનુરોધ કર્યો હતો. દેશી નસલની ગાય વિના પ્રાકૃતિક ખેતી સંભવ નથી ખેડૂતો ગાયનું પાલન કરે, જીવામૃત ઘન-જીવામૃત યોગ્ય રીતે બનાવવામાં આવે તેનું ધ્યાન માસ્ટર ટ્રેનર્સ રાખે, તેમ જણાવી રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિને ઈશ્વરીય કાર્ય ગણાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે પરંપરાગત કૃષિને પુનર્જીવત કરવા અનુરોધ કરી દેશી બીજનું જતન કરવામાં જણાવ્યું હતું. ગુજરાત પ્રાકૃતિક કૃષિ માટે મોડેલ રાજ્ય બની અન્ય રાજ્યો માટે પ્રેરણા સ્ત્રોત બનશે. તેમ પણ રાજ્યપાલે જણાવ્યું હતું. આ પ્રસંગે કૃષિ વિભાગના સચિવ મનીષ ભારદ્વાજે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રથમ જિલ્લો જાહેર કરીને રાજ્ય સરકારે આ માટે રૂ. 31 કરોડની જોગવાઈ કરી છે. તેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડાંગમાં 21 હજાર ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડીને તેમના કૃષિ ઉત્પાદનોમાં પ્રોસેસીંગ અને વેલ્યૂ એડિશન કરવા સાથે માર્કેટિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે રાજ્યમાં એક સો ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન- એફ પી ઓ સ્થાપવાનો લક્ષ્યાંક આપ્યો છે. જે અંતર્ગત તમામ એફ પી ઓ પ્રાકૃતિક કૃષિ આધારિત સ્થાપવામાં આવશે. કાર્યક્રમની શરૂઆતમાં આત્માના ડાયરેકટર ડી. વી. બારોટે ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ આધારિત બનાવવાની કાર્ય યોજના પ્રસ્તુત કરી માસ્ટર્સ ટ્રેનરની ભૂમિકાને મહત્વરૂપ ગણાવી હતી. આ બેઠકમાં ગુજરાત એગ્રો કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર મહેશ સિંગ, ગોપકાના ડાયરેક્ટર કુરેશી, સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ જન-અભિયાનનાં ગુજરાતના કન્વીનર પ્રફુલભાઈ સેંજલિયા સહિત આત્માના વિવિધ જિલ્લામાંથી આવેલા માસ્ટર્સ ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.

 


આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.

શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>