ગુજરાતનું હરિયાળું ગૌરવ: વૃક્ષોની સંખ્યામાં 58 ટકાનો વધારો

રાજ્યમાં જે ૨.૦૧ કરોડ વૃક્ષો હતા તે વર્ષ ૨૦૨૧માં ૩૯.૭૮ કરોડ થયા છે : વન અને પર્યાવરણ મંત્રી

ગાંધીનગર : વૃક્ષોના વધુને વધુ વાવેતર થકી શુદ્ધ વાતાવરણ મળે તથા પર્યાવરણના જતનના કાર્યને વેગ મળે તે આશયથી ધારાસભ્ય જીગ્નેશકુમાર સેવક દ્વારા લાવવામાં આવેલા છેલ્લા દિવસના પ્રસ્તાવને આવકારતા વન અને પર્યાવરણ મંત્રી  કિરીટસિંહ રાણાએ કહ્યું કે, આજના વૈજ્ઞાનિક યુગમાં આયુર્વેદિક, એલોપેથી કે હોમિયોપેથી દવાઓ બનાવવામાં પણ વૃક્ષો તથા તેના ફળ, ફૂલ, પાન ખૂબ મદદરૂપ થઇ રહ્યા છે. રાજ્યમાં વૃક્ષની સંખ્યા વધારવા માટે અનેકવિધ આયોજનો થઇ રહ્યા છે જેમાં તાજેતરમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે વૃક્ષારોપણ સંલગ્ન અનેક કાર્યક્રમોનું આયોજન કરીને લાખોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મોદીએ વન મહોત્સવને સાચા અર્થમાં વનીકરણ કરવા માટેનો મહોત્સવ બનાવ્યો હતો. અગાઉ જે વન મહોત્સવ માત્ર પાટનગરમાં જ યોજાતો હતો, તે હવે રાજ્યભરમાં યોજીને લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે.

મંત્રીએ ઉમેર્યું કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૨૧માં ૨૫૦ જેટલા ઓક્સિજન વનો ઉભા કરી ઓક્સિજન પ્લાન્ટના ઉદઘાટન કર્યા છે. એટલું જ નહીં ૨૧ સાંસ્કૃતિક વનોની સ્થાપના પણ કરી છે. અગાઉ રાજ્યમાં જે ૨.૦૧ કરોડ વૃક્ષો હતા તે વર્ષ ૨૦૨૧માં ૩૯.૭૮ કરોડ થવા પામ્યા છે. એટલે કે રાજ્યમાં વૃક્ષોમાં ૫૮ ટકા જેટલા વધારો નોંધાયો છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. વનવિભાગ દ્વારા વિવિધ સહકારી સંસ્થાઓ અને સેવાકીય સંસ્થાઓને ૭૧ લાખ વૃક્ષ વાવેતરના હેતુ માટે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત વૃક્ષ રથ દ્વારા રાજ્યભરમાં ડોર-ટુ-ડોર રોપા વિતરણ કરવામાં આવ્યા છે. મંત્રીએ ઉમેર્યું કે, ગેરકાયદે વૃક્ષો કપાય નહીં તે માટે પર્યાપ્ત કાયદાઓ છે તેનો કડક અમલ પણ કરી રહ્યા છીએ. એટલું જ નહીં વિવિધ પ્રોજેક્ટ કે ઉદ્યોગ માટે મંજૂરી આપતા પહેલા કેટલીક શરતો મૂકવામાં આવે છે જેમાં ફરજિયાત વૃક્ષો ઉછેરવાની શરતનો પણ સમાવેશ થાય છે જેને પરિણામે ઉદ્યોગો દ્વારા પણ ખૂબ મોટા પાયે વૃક્ષો ઉછેરવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત રાજ્યભરમાં ૧૦ કરોડ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન પૂર્ણ થવા આવ્યું હોવાનું પણ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું. છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરતાં ધારાસભ્યશ્રી જિગ્નેશકુમાર સેવકે જણાવ્યું હતું કે, વૃક્ષો ઓક્સિજનનો સૌથી મોટો સ્ત્રોત છે. તેથી વૃક્ષારોપણ કરીને ઓક્સિજનનું સ્તર વધારવા નાગરિકોને સજાગ કરવાની તાતી જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ અને વેદોમાં પ્રકૃતિનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં પણ વનીકરણ તથા પ્રકૃતિ પ્રેમી લોકોની ઉપસ્થિતિ અને ભાવ પ્રગટ થાય છે. છેલ્લાં ઘણાં વર્ષોથી દેશ અને વિશ્વમાં નવા નવા રોગોનું ચલણ વધ્યું છે. આ પરિસ્થિતિમાં પ્રકૃતિનું દોહન કરવા આપણે સૌએ સહિયારા પ્રયાસ હાથ ધરવાના છે. કોરોનાની મહામારીએ આપણને સૌને પરોક્ષ રીતે ઓક્સિજનનું મહત્વ સમજાવ્યું છે. આથી ઓક્સિજનનું સ્તર વધારવા પણ વૃક્ષારોપણ ખુબ જ જરૂરી છે. વાતાવરણમાં ઉમેરાતા હાનિકારક પાર્ટીકલના કારણે માનવ શરીરમાં શ્વસનને લગતી વિવિધ સમસ્યાઓ અને રોગોનું પ્રમાણ વધી રહ્યું છે તેવામાં પ્રકૃતિનું જતન કરવા વધુમાં વધુ વૃક્ષો વાવવા નાગરિકોએ સંકલ્પબદ્ધ થવાની જરૂર છે. તેમણે ઉમેર્યું કે, વાતવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાય અને હવાનું શુદ્ધિકરણ થાય તે સમયની માંગ છે અને તેના માટે બહોળા પ્રમાણમાં વૃક્ષોનો ઉછેર કરીને પર્યાવરણ બચાવવાના કામમાં સહયોગી બનવાના પ્રયાસો કરવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>