
ગાંધીનગર: “ખેડૂતોની આવક વધારવા યુવાઓ પ્રાકૃતિક કૃષિને ખેતરે પહોંચાડે” ,ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યુવાઓને ખેતી સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૧૬ માં દીક્ષાંત સમારોહ પ્રસંગે પદવી ધારક વિદ્યાર્થીઓને ઓનલાઇન સંબોધતા જણાવ્યું હતું કે ખેતી ત્યારે સમૃદ્ધ થશે જ્યારે કૃષિ જ્ઞાનની વર્ષા ખેતરોમાં થશે. રાજ્યપાલે કૃષિ તજજ્ઞો સ્નાતકોને ઇનોવેટિવ અભિગમ સાથે તથા નવા સંશોધનો દ્વારા દેશના કૃષિ વિકાસને નવી ઊંચાઈ પ્રદાન કરવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આઝાદી સમયે રાસાયણીક કૃષી એ સમયની માંગ હતી પરંતુ સમય જતા રાસાયણિક કૃષિના દુષ્પરિણામોના કારણે જળ, જમીન અને પર્યાવરણ ઉપરાંત માનવ સ્વાસ્થ્ય સામે ખતરો પેદા થયો છે. આવા સમયે રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે એવી કૃષિ પદ્ધતિ અપનાવવી પડશે જેના કારણે આ ખતરાને ટાળી શકાય. કૃષિ ખર્ચને ઘટાડી શકાય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરી શકાય. રાજ્યપાલે જણાવ્યું હતું કે રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિ સૌથી સફળ કૃષિ પદ્ધતિ બની રહેશે. ભારતીય નસલની એક દેશી ગાયના છાણ ગૈા મૂત્રની મદદથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે. તેમણે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માં સંશોધનો દ્વારા આ પદ્ધતિને ખેતરે ખેતરે પહોંચાડવા સંકલ્પ બદ્ધ થવા યુવા વૈજ્ઞાનિકોને અનુરોધ પણ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ-શિષ્યના શ્રેષ્ઠ સંબંધોના માધ્યમથી ગુરૂકુળ પરંપરામાં માનવ નિર્માણનું શ્રેષ્ઠ કાર્ય થતું હતું તેનું ઉદાહરણ આપી રાજ્યપાલે વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરેલી વિદ્યા કૌશલ્યનો સમાજન અને રાષ્ટ્રના કલ્યાણમાં ઉપયોગ કરવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કૃષિ યુનિવર્સિટીના માધ્યમથી ભારતીય મૂળના પરંપરાગત દેશી બીજોની માવજત અને જાળવણી માટે સીડ બેંકની સ્થાપના કરવાની પણ હિમાયત કરી હતી અને ઉન્નત બીજ નિર્માણ ક્ષેત્રે સંશોધનની આવશ્યકતાઓ પર પણ ભાર મૂક્યો હતો. આ પ્રસંગે સમારોહના મુખ્ય મહેમાન યુપીએલના ચેરમેન પદ્મભૂષણ શ્રી રજનીકાંત શ્રોફે જણાવ્યું હતુ કે, કોવિડ-૧૯ મહામારી દરમિયાન કૃષિક્ષેત્રે સૌથી ઓછું નુકશાન થયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ખમણી કરવાનાં સંકલ્પમાં વિદ્યાર્થીઓને સહભાગી થવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, ભારતનું કૃષિ ક્ષેત્રે ભવિષ્ય ઉજ્જવળ છે. તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે,ભારતના ખેડૂતો સક્ષમ અને મહેનતું છે. આ તકે ગ્રામ વિકાસ અને કૃષિમંત્રી આર.સી.ફળદુએ પદવીપ્રાપ્ત છાત્રોને શુભેચ્છા પાઠવી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડીટોરિયમ ખાતે યોજાયેલ ઓનલાઈન ૧૬ માં વાર્ષિક પદવીદાન સમારંભમાં કૃષિ શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ ચાર બેસ્ટ ટીચર એવોર્ડ વર્ષ ૨૦૧૯-૨૦ માટે શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. સમારંભના આરંભે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો વી.પી.ચોવટીયા એ કૃષિ યુનિવર્સિટીની હાંસલ કરેલ સિદ્ધિઓ વર્ણવી સ્વાગત પ્રવચન કર્યું હતું.