કેમિકલ છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂત બનશે આત્મનિર્ભર

આઝાદીના ૧૦૦માં વર્ષ સુધી કૃષિ ક્ષેત્રે નવી જરૂરિયાતો અને નવા પડકારો અનુસાર કૃષિને ઢાળવી પડશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિને કેમિકલની પ્રયોગ શાળામાંથી બહાર કાઢી પ્રકૃત્તિની પ્રયોગ શાળા સાથે જોડવાનું દેશના ખેડૂતોને આહવાન કર્યું છે. સમગ્ર વિશ્વ અત્યારે ગ્લો બલ વોર્મિંગના સંક્રમણકાળમાંથી પસાર થઇ રહ્યું છે. જળવાયુ પરિવર્તનો ખતરો તોળાઇ રહ્યો છે. તેના ઉપચારાત્મક પગલાં રૂપે જમીન અને કૃષિમાં રાસાયણિક ખાતરો અને કિટનાશકોનો વપરાશ બંધ કરી પ્રકૃતિ તરફ પાછા વળવા તેમણે આગ્રહ કર્યો છે. ઉદ્યમી અન્નદાતાની આવક વધે તથા કૃષિક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન મળે તે માટે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગના રાષ્ટ્રીય પરિષદમાં નેચરલ ફાર્મિંગ ઝીરો બજેટ ખેતી અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. આણંદ ખાતે દેશની સર્વ પ્રથમ પ્રાકૃત્તિક ખેતીની રાષ્ટ્રીય પરિષદને વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉક્ત સંદર્ભે ઉમેર્યું કે, ભારતે ક્લાયમેટ ચેન્જ સમિટમાં જીવનને વૈશ્વિક અભિયાન બનાવવાનું આહવાન કર્યું હતું. ૨૧મી સદીમાં તેનું નેતૃત્વ ભારત અને ભારતના ખેડૂતો કરવાના છે. વડાપ્રધાને જણાવ્યું કે, આઝાદી પછીના દાયકાઓમાં કૃષિનો વિકાસ જે રીતે અને જે દિશામાં થયો છે એ આપણે સૌએ જોયું છે. આઝાદીના ૧૦૦માં વર્ષ સુધી કૃષિ ક્ષેત્રે નવી જરૂરિયાતો અને નવા પડકારો અનુસાર કૃષિને ઢાળવી પડશે. તેમણે કહ્યું કે, છેલ્લા સાત વર્ષમાં બિયારણથી લઇ બજાર સુધીની, માટી પરિક્ષણથી લઇ નવા બીજ નિર્માણ સુધી, પીએમ કિસાન સન્માન નિધિથી લઇ પોષણક્ષમ ભાવ દોઢ ગણા વધારવા તેમજ સિંચાઇના મજબૂત માળખાથી લઇ કિસાન રેલ સુધી ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેકવિધ પગલાં લેવામાં આવ્યા છે. મોદીએ કહ્યું કે, આપણા દેશના કૂલ ખેડૂતોમાંથી ૮૦ ટકા ખેડૂતો નાના અને સિમાંત પ્રકારના છે. ત્યારે, પ્રાકૃતિક ખેતીનો સૌથી વધુ ફાયદો આ વર્ગના ખેડૂતોને થશે. તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળશે તો તેમની આર્થિક સ્થિતિ અને જીવન વધુ બહેતર બનશે.

વડાપ્રધાને દેશના દરેક રાજ્ય અને સરકારોને પ્રાકૃતિક ખેતીને જન આંદોલન બનાવવાનું આહવાન કરતા જણાવ્યું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. ત્યારે, દરેક પંચાયતનું ઓછામાં ઓછું એક ગામ કુદરતી ખેતી સાથે જોડાય તેવા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવા જોઇએ.
તેમણે કૃષિલક્ષી પ્રાચીન ભારતીય જ્ઞાનનું મહાત્મ્ય જણાવતા કહ્યું કે, ભારતમાં બે હજાર વર્ષ પૂર્વે થયેલા ઋષિઓ અને સંતોએ કેવી રીતે ખેતી કરવી તેનું વિપુલ જ્ઞાન આપણને આપ્યું છે. કૃષિ અંગે ઋગવેદ અને અર્થવવેદથી લઇ પુરાણો સુધી આપણા ઋષિ મુનીઓએ ભરપૂર સમજ આપી છે. તેમાં મૌસમ, પાણી અને જમીનની સારી માહિતી હોય તો ખેડૂત ક્યારેય ગરીબ રહે નહીં, એવું કહેવામાં આવ્યું છે. હવે, આ પ્રાચીન જ્ઞાનને આધુનિક ટેક્નોલોજી સાથે વિનિયોગ કરી વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકાય એમ છે. આપણી પાસે ટેક્નોલોજી અને સાધનોની ઉપલબ્ધી છે. માત્ર પ્રાચીન જ્ઞાન અનુસાર કુદરતી રીતે ખેતી કરવાની જરૂરત છે.
પ્રાકૃતિક ખેતી તરફ વધુમાં વધુ ખેડૂતો જોડાય તે માટે શોધ અને સંશોધનો માત્ર કાગળ ઉપર રહી ન જાય એની તકેદારી રાખવાનું જણાવી મોદીએ કહ્યું કે, હવે આ શોધોને લેબથી લેન્ડ સુધી લાવવાની આપણી યાત્રા હોવી જોઇએ. ભારતની વિકાસ યાત્રા સાથે ખેતીનો પણ બહુ જ વિકાસ થયો હતો. રાસાયણિક ખાતરો અને દવાઓથી હરિત ક્રાંતિ આવી હતી, એ વાત સાચી છે. એની સાથે ખાતર અને કિટકનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીન, પાણી, વાતાવરણ અને સ્વાસ્થ્યને પણ નુકસાન થયું છે, એ વાત આપણે સૌ સારી રીતે જાણીએ છીએ, પ્રકૃતિને નુકસાન પહોંચાડતી આ ભૂલને સુધારવાનો આ જ સાચો સમય છે. તેમ જણાવી વડાપ્રધાને આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન મા ભારતીને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવામુક્ત બનાવવા સૌને સંકલ્પબદ્ધ થવા તેમણે હાકલ કરી હતી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એગ્રિ પ્રિ-વાઇબ્રન્ટ સમીટ-૨૦૨૧ના સમાપન સમારોહમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ આત્મનિર્ભર ખેડૂતોથી આત્મનિર્ભર ભારતના નિર્માણનું જનઅભિયાન છે.
રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિને રાસાયણ કૃષિના મજબૂત વિકલ્પ તરીકે ગણાવી ઉમેર્યું હતું કે, રાસાયણિક કૃષિ એ સ્વતંત્રતા સમયે હરિત ક્રાંતિ માટે સમયની માંગ હતી પરંતુ હવે રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી વિશ્વ આખું ત્રસ્ત છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ આ દુષ્પરિણામથી મુક્તિ માટે મજબૂત વિકલ્પ છે. પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. જમીનની ફળદ્રુપતા વધે છે, દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે, કૃષિ ખર્ચ ઘટતા અને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના ભાવ પ્રમાણમાં વધારે મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. ગામના પૈસા ગામમાં રહે છે, શહેરના પૈસા પણ ગામમાં આવે છે.

નેશનલ કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સરદાર સાહેબની દ્રઢ ઇચ્છાશક્તિ અને નિર્ધારથી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ થયું. હવે પ્રધાનમંત્રીના સંકલ્પથી અનેકતામાં એકતા સાથે આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાત આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આત્મનિર્ભર ગુજરાતથી પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ છે.
પ્રધાનમંત્રીની પ્રેરણાથી યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦રરની થીમ પણ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખવામાં આવી છે. પટેલે એમ પણ કહ્યું કે સંસ્કૃતિની, જમીનની, પ્રજાની, ભાષાની, પોશાકની, ખાનપાનની, આબોહવાની એવી અનેક વિવિધતા વચ્ચે કૃષિ ક્ષેત્રની પણ આગવી વૈવિધ્યતા ભારતમાં છે. આપણે ત્યાં રણપ્રદેશથી લઈને નદીના કાંપવાળી જમીનનો પ્રદેશ છે તો સાથોસાથ પર્વતીય ટેકરા વાળી જમીન પર ખેતી અને પર્વતની ગોદમાં ફળદ્રુપ જમીનની ખેતી પણ છે. કૃષિ વિવિધતા ધરાવતા ભારતમાં આઝાદી પછી અનાજની માંગ પૂરી કરવા હરિત ક્રાંતિ આવી હતી. આના પરિણામે સુધારેલા બિયારણો અને રાસાયણિક ખાતરોના ઉપયોગથી ખેત ઉત્પાદન વધ્યું હતું.

જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.

 


આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.

શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>